નવકારધામનો સંકુલ

મનોહર વાતાવરણની સાથે શ્રેષ્ઠ સાધનાધામ બનવા માટે આ તીર્થ સુસજ્જ છે. સુંદર જિનાલય, શ્રાવક અને શ્રાવિકા ઉપાશ્રય, જાપ કેન્દ્ર, ધર્મશાળા, ભોજનશાળા આદી સર્વ સુવિધાઓથી યુક્ત આ તીર્થ સાધક જીવો માટે એક સુંદર સાધનાધામ બની રહેશે.

ડોમ

શ્રી શત્રુંજય નવકારધામના ૯૦,૦૦૦ સ્કેવર ફીટના મધ્યભાગમાં એક પણ સ્તંભ નથી અને એક વિશાળ ડોમની અંદર સાધકને દિવ્ય અનુભૂતિ થાય તે માટે ૩ X ૩ સ્કેવર ફીટના કુલ ૬૮૦૪ વિભાગ છે અને તે સાથે મધ્યમાં સમવસરણ મંદિર છે, જેમાં પરમાત્માના દર્શન ચારે કોરથી થઈ શકે તેવી રીતે એક સાથે ૬૮૦૪ ભાગ્યશાળીઓ સામૂહિક જાપ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

દેરાસર

જિનમંદિર એટલે આત્મસ્વરુપ પ્રતિતી, સમ્યકદર્શન પ્રાપ્તિ અને પરમાત્મ ભક્તિ માટેનું મંગલ સ્થાન. શ્રી શત્રુંજય નવકારધામ સંકુલ આદિનાથ, મુનિસુવ્રત સ્વામી, જિરાવલા પાર્શ્વનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથ આદિ પ્રભુના ભવ્ય જિનપ્રાસાદથી પાવન બનશે.

સાધુ ભગવંત ઉપાશ્રય

ઉપ એટલે ઉપર અને આશ્રય એટલે રહેવું. નીચી દશામાંથી ઉંચી આત્મદશા તરફ લઇ જતું સ્થાન એટલે ઉપાશ્રય. સમ્યક ચારિત્રના ઉત્તમ પાલન માટે સંકુલમાં ભવ્ય શ્રાવક ઉપાશ્રય બનશે. શ્રમણ ભગવંતો જ્યાં સુંદર ચારિત્ર પાલન કરશે અને કરાવશે.

સાધ્વી ભગવંત ઉપાશ્રય

આરાધના અને સાધનામાં બહેનો હંમેશા મોખરે હોય છે. પરમ પાવન ગિરિરાજની સાવ નિકટમાં જ શ્રાવિકાઓ સુંદર ધર્મ આરાધના કરી જીવન સાર્થક કરી શકે અને શ્રમણી ભગવંતોને નિર્દોષ વસ્તી પ્રાપ્ત થાય તે માટે સુંદર શ્રાવિકા ઉપાશ્રય સંકુલમાં શોભતો હશે.

ભોજનશાળા

સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં તપસ્વી, ત્યાગી, ભાવિ સાધુ, સિદ્ધ કે તીર્થકર જેવા અનેકવિધ જીવો હોઇ શકે. આ બધાની યોગ્ય ભક્તિ કરવાનો અવસર ભોજનકક્ષના માધ્યમે શક્ય બને. શ્રી શત્રુંજય નવકારધામ સંકુલમાં સાધર્મિકનું વાત્સલ્ય કરી શકાય તેવી ભવ્ય ભોજનશાળા બનશે.

યાત્રિક ભવન

શાશ્વત ગિરીરાજની તલેટીમાં શાશ્વત નવકારની સાધના પ્રસન્ન ચિત્તે થઇ શકે તે સોનામાં સુગંધ સમ કહેવાય. આરાધક આત્માઓ સુંદર જાપ સાધના કરવા રોકાઇ શકે તે માટે સંપૂર્ણ સગવડયુક્ત યાત્રિક ભવનનું નિર્માણ થશે.

ગૌશાળા

જીવદયાએ જૈન ધર્મની જનની છે. મુંગા અબોલ પશુઓને શાતા આપવી અને તેમની રક્ષા કરવી તે દરેક જૈનનું પરમ કર્તવ્ય છે. પશુરક્ષા દ્વારા પર્યાવરણની પણ રક્ષા થાય તે ઉદ્દેશથી શ્રી શત્રુંજય નવકારધામ સંકુલમાં સરસ ગૌશાળા બનાવવામાં આવશે.

સમાધિ મંદિર

અધ્યાત્મયોગી પરમ પુજ્ય આચાર્ય ભગવંત કલાપૂર્ણસુરી સમુદાયના સાધ્વી અનુપમાશ્રીજી ની સમાધિ સંકુલમાં છે. તેઓ નવકારના પરમ આરાધિકા હતા. પ્રતિદિન એક લાખ આઠ હજાર અને જીવન દરમ્યાન કુલ અડતાલીશ કરોડનો જાપ કરી મુક્તિ પામ્યા. દર પુનમ અને અમાસે તેમની સમાધિમાંથી નવકારનો રણકાર ગુંજે છે.

જૈન ધર્મ સંશોધન કેન્દ્ર

જૈન વિચારધારા સુંદર જીવનની પૂર્ણ ચાવી છે. જૈન ધર્મ વિશ્વના બધા જ વ્યક્તિઓને શાશ્વત સુખ, શાંતિ, મુક્તિ આપવા સક્ષમ છે. સંશોધન કેન્દ્રમાં જૈન ધર્મ પર વિશેષ અભ્યાસ થઈ શકશે.

ગણધર ગુરૂ મંદીર

દરેક તીર્થકર કેવલજ્ઞાન ની પ્રાપ્તિ બાદ દેશના આપે. તેમના પ્રથમ શિષ્ય (ગણધર) એને ગુંથી આગમની રચના કરે. આવા ગણધર જે ગુરૂ પણ કહેવાય તેમની દેરી એટલે ગણધર મંદિર.

પેઢી

પરમાત્માના શાસનના આ અદ્ભુત તીર્થનો પ્રભુ વચન મુજબ ઉતમ અને સુચારુ વહીવટ થઈ શકે તે માટે એક સુંદર પેઢીનું નિર્માણ કરવામાં આવશે.

શ્રી શત્રુંજય નવકારધામ દ્વાર

ભવ્ય અને દિવ્ય તીર્થમાં પ્રવેશ કરવા માટે અદ્ભુત, અપ્રતિમ અને મનમોહક પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.