સોહામણા શ્રી શત્રુંજય નદીને તીરે, રત્નોથી જેના વધામણા થાય છે તેવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના પૂર્વભાગની તળેટીએ, શ્રી જીવાપુર ગામના સીમાડે એક સાથે ૬૮૦૪ ભાગ્યશાળીઓ મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા દ્વારા પોતાનામાં પ્રચ્છન્ન રીતે ધરબાયેલા પંચપરમેષ્ઠિના સ્વરુપને પ્રગટ કરી શકે, તે માટે સમવસરણ સહિત શ્રી શત્રુંજય નવકારધામનું આયોજન નિર્માણાધિન છે.
શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખ કોષ, દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ
શ્રી નવકાર સમવસરણ ધાામ શ્રી શત્રુંજય તીર્થની તળેટીથી ૫ કિ.મી. ના અંતરે, શ્રી હસ્તગિરિ તીર્થ તરફ જતા જીવાપુર ગામ પાસે શ્રી શત્રુંજયની પૂર્વભાગની તળેટીમાં આવેલું છે. જયાંથી મેઘનાદ મંડપ કે નંદીવર્ધન પ્રસાદ તરીકે પ્રખ્યાત તેવા ૩૫૦૭ જિનાલયોમાં શિરમોર મૂળનાયક શ્રી આદિનાથ દાદાના દરબારના મુખ્ય જિનાલયના શિખરના દર્શન થાય છે, તેમજ આ નવકારધામના પૂર્વ ભાગમાં ઈન્દ્ર મહારાજાએ પોતાના વજથી જેનું અવતરણ કરેલું છે અને જેના દર્શન પણ દુર્લભ છે તેવી શત્રુંજ્ય નદીનો કિનારો આવેલો છે. જ્યાંથી જયણાપૂર્વક સ્નાન કરીને આ તીર્થાધિરાજની યાત્રા કરવાનું શાસ્ત્રમાં કથન છે. આ પુણ્યભૂમિ પરથી શ્રી કંદબગિરિ તીર્થ અને શ્રી હસ્તગિરિ તીર્થના દર્શન થાય છે. આ ટ્રસ્ટ દ્વારા લગભગ ૧૫ એકર જમીન પ્રાપ્ત કરવામાં આવી છે. તેમાં જિનાલય સમેત શ્રી નવકાર સમવસરણનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ દિવ્યભૂમિમાં ૧,૨૦,૦૦૦ સ્કેવર ફીટમાં પથરાયેલું આ વિશાળ સંકુલ શક્ય તેટલું જલદી પરિપૂર્ણ થાય તેવી અમારી ભાવના છે.
અમારો ઉદે્શ
ટ્રસ્ટનો મુખ્ય હેતુ સર્વે જીવો પોતાના આત્માના સાચા સુખને પ્રાપ્ત કરે, સમગ્ર વિશ્વમાં શાંતિ અને અહિંસાનો સંદેશ ફેલાય એ છે.
અમારું લક્ષ્ય
શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ નું લક્ષ્ય જૈન ધર્મના તમામ વિભાગો સંગઠિત થાય અને વિશ્વમાં જૈન શાસનની પ્રભાવના થાય એ છે.